03 December 2025

દત્તાત્રેય જયંતિ ૨૦૨૫: તેનો ઇતિહાસ અને મહત્વ

Start Chat

હિન્દુ પરંપરા પ્રમાણે દત્તાત્રેય ભગવાન તરીકે પૂજનીય છે – કારણ કે તેઓ હિન્દુ દેવતાઓની ત્રિપુટી: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના સંયુક્ત સારનું સ્વરૂપ છે. આ સંશ્લેષણને કારણે, દત્તાત્રેયને એક પૂર્ણ દૈવીય અવતાર તરીકે ગણવામાં આવે છે – જે સર્જન, પોષણ અને પરિવર્તનનું સંયોજન છે.

દત્તાત્રેય જયંતિ માગશરની પુનમના દિવસે ઉજવાય છે. પરંપરાગત પંચાંગ અનુસાર, દત્તાત્રેય જયંતિ ૨૦૨૫ ગુરુવાર, તારીક ૪ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

પુરાણો અનુસાર, દત્તાત્રેય ભગવાનનો જન્મ ઋષિ અત્રિ અને તેમની પતિવ્રતા પત્ની અનસૂયાને ત્યાં થયો હતો. અનસૂયા તેની ધર્મનિષ્ઠા અને સદ્ગુણ માટે જાણીતી હતી. વાર્તા એવી છે કે ત્રિમૂર્તિની પત્નીઓ, અનસૂયાની પવિત્રતા અને સદ્ગુણની ઈર્ષ્યા કરતી હતી. તેમણે અનસૂયાને નગ્ન થઇ ત્રણ નગ્ન ભીખારીઓ ને ભોજન કરાવવાની પડકાર ફેંકી હતી. અનસૂયાએ તે ત્રણ ભિખારીઓને ઓળખી ગઇ અને તેમને બાળક રૂપે તેમની સામે આવવાની અરજ કરી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તેણી સમક્ષ બાળ રૂપે હાજર થતા અને અનસૂયાએ તેમને સ્તનપાન કરાવ્યું. આ રીતે તેણીએ તેમનું ગૌરવ અને સદ્ગુણને જાળવી રાખ્યા. તેમની ભક્તિથી પ્રભાવિત થઈને, ત્રિમૂર્તિએ એકલ બાળક – દત્તાત્રેય – તરીકે પ્રગટ થઈને દંપતીને આશીર્વાદ આપ્યા. આમ, દત્તાત્રેય ત્રણેય દેવોની દૈવીય શક્તિઓ – સૃષ્ટિ, સંરક્ષણ અને વિનાશ – થી સુમેળમાં ધન્ય હોવાનું માનવામાં આવે છે.

સર્વોચ્ચ ગુરુ-સ્વરૂપ:

દેવતા હોવા ઉપરાંત, દત્તાત્રેય આદિ-ગુરુ તરીકે આદરણીય દરજ્જો ધરાવે છે. શાસ્ત્રો અનુસાર, તેઓ એક આદર્શ સંન્યાસી અને યોગના સ્વામીઓમાંના એક છે. દંતકથા કહે છે કે તેમણે ૨૪ ગુરુઓ પાસેથી આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું. દત્તાત્રેય દ્વારા, ભક્તો એક એવો માર્ગ શોધે છે જે ત્યાગ, ભક્તિ અને જ્ઞાનને જોડે છે અને સર્વાંગી આધ્યાત્મિક વિકાસનું પ્રતીક બને છે.

દત્તાત્રેય જયંતિનું મહત્વ:

દત્તાત્રેય જયંતિ ફક્ત એક જન્મજયંતિ જ નહીં પરંતુ આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક પરિવર્તનનો અવસર છે. આ દિવસના મહત્વના કારણો નીચે મુજબ હોય શકે છે:

સાર્વત્રિક દૈવીય ઊર્જા સાથે જોડાવાનો દિવસ: દત્તાત્રેય બ્રહ્મા, વિષ્ણુ અને શિવની એકતાનું પ્રતીક છે, તેથી તેમની જયંતિ ઉજવવી એ દૈવીય શક્તિઓની સંપૂર્ણતા – સર્જન, સંરક્ષણ અને વિસર્જન – ને એક સાથે ઉજવવા તરીકે જોવામાં આવે છે.

આધ્યાત્મિક નવીકરણ: ઘણા ભક્તો આ દિવસ ધ્યાન, પ્રાર્થના અને ભક્તિ માટે પસંદ કરે છે – સ્પષ્ટતા, સૂઝ અથવા નવી શરૂઆત મેળવવા માટે. એવું માનવામાં આવે છે કે આ દિવસે, દત્તાત્રેયનો દૈવીય સિદ્ધાંત પ્રબળ હોય છે.

ત્યાગ, સદ્ગુણ અને આંતરિક વિકાસ પર ભાર: સદ્ગુણ અને ત્યાગમાંથી જન્મેલા દત્તાત્રેયની પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને તેમની પૂજા કરવાથી નમ્રતા, સ્વ-શિસ્ત, અનાસક્તિ અને આંતરિક શુદ્ધતા જેવા મૂલ્યોને પ્રોત્સાહન મળે છે.

ગુરુ સિદ્ધાંત: ‘ગુરુઓના ગુરુ’ તરીકે ઓળખાતા, ભગવાન દત્તાત્રેય એવું વાતાવરણ પ્રસ્તુત કરે છે જ્યાં શિક્ષણ ઘણા સ્ત્રોતો, નમ્રતા અને ખુલ્લા મનથી આવે છે. સાધકો માટે, તેમની જયંતિ આધ્યાત્મિક અભ્યાસના ઊંડા હેતુની યાદ અપાવે છે જે ધાર્મિક વિધિઓથી આગળ, બુદ્ધિમતા અને આત્મ-સાક્ષાત્કાર તરફ તેમને દોરી જવાની શક્તિ દર્શાવે છે.

સામૂહિક પૂજા માટેની તક: આ દિવસે, દેશભરમાં દત્તાત્રેયને સમર્પિત મંદિરો દીપજ્યોતિ સાથે પ્રજ્જ્વલિત થાય છે; પરિવારો અને સમુદાયો પ્રાર્થના, ભજન, શાસ્ત્રો વાંચવા અને પ્રસાદ વહેંચવા માટે ભેગા થાય છે. આવી સામુહિક પૂજા સંવાદિતા, આદર અને આધ્યાત્મિક એકતાના મૂલ્યોને મજબૂત બનાવે છે.

ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ

જોકે પ્રદેશ પ્રમાણે રિવાજો થોડા ઘણા અલગ-અલગ હોય છે, પણ મુખ્યત્વે તેના પાલનમાં ઘણી સમાનતાઓ હોય છે. સામાન્ય પ્રથાઓ આ પ્રમાણે હોય છે:

ભક્તો વહેલા ઉઠે છે, સ્નાન કરે છે, અને દિવસની શરૂઆત શુદ્ધતા સાથે કરવા માટે સ્વચ્છ કપડાં પહેરે છે.

ઘણા લોકો ઉપવાસ રાખે છે, માંસ, ડુંગળી, લસણ જેવા તામસિક ખોરાક ટાળે છે. કેટલાક નિર્જલા ઉપવાસ રાખે છે.

પૂજામાં સામાન્ય રીતે દત્તાત્રેયની મૂર્તિ અથવા છબિને ફૂલો, ધૂપ, દીવા, ચંદનનો લેપ, સિંદૂર અને હળદર ચઢાવવામાં આવે છે. ભક્તિ ગીતો, ‘ઓમ શ્રી ગુરુદેવ દત્ત’, ‘શ્રી ગુરુ દત્તાત્રેય નમઃ’ અથવા ‘દત્ત બાવની’ જેવા મંત્ર જાપ થાય છે.

ભક્તો ઘણીવાર દેવતાની મૂર્તિની પ્રદક્ષિણા કરે છે.

ઘણા લોકો દત્તાત્રેય સાથે સંકળાયેલા પવિત્ર ગ્રંથો વાંચે છે અથવા સાંભળે છે – દા.ત, તેમના ઉપદેશો, વાર્તાઓ અને બુદ્ધિમતાની પ્રશંસા કરતા શાસ્ત્રો.

ભારતભરના મંદિરો – ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં – આ દિવસને ઉજવવા માટે ખાસ સમારોહ, ભક્તિ મેળાવડા, કીર્તન અને સાંપ્રદાયિક પ્રાર્થનાઓ યોજવામાં આવે છે.

આધુનિક સમયમાં દત્તાત્રેયનો અર્થ શું છે:

આજના ગતિમાન ખંડિત વિશ્વમાં, દત્તાત્રેયની વાર્તા અને ઉપદેશો એક કાલાતીત સંદેશ આપે છે: એકતા, આંતરિક વિકાસ અને આધ્યાત્મિક સંતુલન.

વિવિધતામાં એકતા: દત્તાત્રેયની ઓળખ જ સર્જન, સંરક્ષણ અને વિસર્જનને એકસાથે લાવે છે – એક રૂપક જે દર્શાવે છે કે કેવી રીતે વિપરીત અથવા વિરોધાભાસી શક્તિઓ – જન્મ અને મૃત્યુ, શરૂઆત અને અંત, આનંદ અને દુ:ખ – એક વિશાળ સમગ્રતાનો ભાગ છે. બહુવચનવાદી સમાજમાં, આ પ્રતીકવાદ ઊંડી સ્વીકૃતિ અને સુમેળને પ્રોત્સાહન આપે છે.

સર્વાંગી આધ્યાત્મિકતા: દત્તાત્રેયના માર્ગમાં સમાયેલ જ્ઞાન, ભક્તિ અને ત્યાગનું મિશ્રણ આધ્યાત્મિક સાધકોને સંતુલન જાળવવા માટે પ્રોત્સાહિત કરે છે – ફક્ત ધાર્મિક ઉપાસના જ નહીં, પરંતુ આત્મચિંતન, નૈતિક શિસ્ત અને આંતરિક પરિવર્તન પણ.

ઘણા સ્ત્રોતોમાંથી માર્ગદર્શન અને શિક્ષણ: ૨૪ ગુરુઓ પાસેથી શીખવાની દત્તાત્રેયની પરંપરા શીખવે છે કે બુદ્ધિમતા બહુવિધ અનુભવોમાંથી આવે છે – જીવનભર શિક્ષણ, નમ્રતા અને વિવિધ દ્રષ્ટિકોણ માટે આદરને પ્રોત્સાહિતકરે છે.

શાંતિ, કરુણા અને આંતરિક શક્તિ: તણાવ, ભૌતિકવાદ અને અહંકાર-સંઘર્ષના યુગમાં – દત્તાત્રેયના ગુણો આપણને કરુણા, આંતરિક શાંતિ અને શરણાગતિ – એવા મૂલ્યોની યાદ અપાવે છે જે વ્યક્તિઓ અને સમુદાયોને સમાન રીતે જોડી શકે છે.

ઉપરોક્ત કારણો ને જોતા તેમ કહી શકાય કે આજે દત્તાત્રેય જયંતિની ઉજવણી ધાર્મિક પાલન કરતાં વધુ હોઈ શકે છે – તે આધ્યાત્મિક મૂલ્યોની પુષ્ટિ હોઈ શકે છે ,જે સમકાલીન પડકારો સાથે ઊંડે સુધી પડઘો પાડે છે.

નિષ્કર્ષ

દત્તાત્રેય જયંતિનું મહત્વ એ ફક્ત કેલેન્ડરમાં એક તહેવાર પૂરતું જ નથી – તે એક આધ્યાત્મિક દીવાદાંડી છે. ૪ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ, જ્યારે ભક્તો દીવા પ્રગટાવે છે, પ્રાર્થના કરે છે, મંત્રોચ્ચાર કરે છે અને દત્તાત્રેયના જીવન અને ઉપદેશો પર ચિંતન કરે છે, ત્યારે તેઓ એક એવી પરંપરા સાથે જોડાય છે જે ફક્ત પૂજાથી આગળ વધે છે.

તમે શ્રદ્ધાળુ અનુયાયી હોવ કે હિન્દુ આધ્યાત્મિકતા વિશે જિજ્ઞાસા ધરાવતા હોવ – આ દિવસ એકતા, નમ્રતા, બુદ્ધિમતા અને કરુણાના મૂલ્યોનું ચિંતન કરો અને આત્મસાત કરો.

દત્તાત્રેયને યાદ કરીને, આપણે અંદર રહેલા પરમાત્માની ઉજવણી કરીએ છીએ – તે પરમાત્મા જે સર્જક, સંરક્ષક અને પરિવર્તનકર્તા છે; તે પરમાત્મા જે આપણને સંતુલન, હેતુ અને પ્રેમ સાથે જીવવા માટે માર્ગદર્શન આપે છે. આ દત્તાત્રેય જયંતિ તે બધા માટે શાંતિ, સૂઝ અને આધ્યાત્મિક વિકાસ લાવે જે તેનું સન્માન કરે છે.

 

X
Amount = INR