30 October 2025

તુલસી વિવાહ 2025: તુલસી વિવાહ નું મહત્વ

Start Chat

તુલસી વિવાહ, એટલે સામાન્ય અર્થમાં ‘તુલસીના લગ્ન’. આ એક હિન્દુ પૌરાણિક ધાર્મિક વિધિ છે, જેમાં તુલસીના છોડ અને શાલિગ્રામ અથવા આમળાની ડાળી વચ્ચે પ્રતીકાત્મક રીતે લગ્ન કરાવાય છે. દરેક પ્રાંતના રીતિ-રિવાજ મુજબ આ લગ્ન પ્રબોધિની એકાદશી (દેવઉઠી એકાદશી) અને કાર્તકી પૂનમ વચ્ચે ગમે ત્યારે કરવામાં આવે છે. તુલસી વિવાહ સાથે ચોમાસાનો અંત સૂચવાય છે અને લગ્નગાળાની શરૂઆત થાય છે.

સ્કંદ પુરાણ, પદ્મ પુરાણ, અને શિવ પુરાણ જેવા હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં તુલસીનો વૃંદા તરીકે ઉલ્લેખ જોવા મળે છે. એ જ પુરાણોમાં જળંધર નામના એક રાક્ષસ નો પણ ઉલ્લેખ જોવા મળે છે. પૂર્વ જન્મમાં તુલસી વૃંદા તરીકે ઓળખાતી હતી.  તે બહુ જ મોટી વિષ્ણુભક્ત અને જળંધરની પતિવ્રતા પત્ની હતી. તે અપવાદરૂપે સુંદર અને પોતાનો સ્ત્રીધર્મ જાળવા વાળી હતી.

વાર્તા એવી છે કે ઇન્દ્ર દ્વારા અપમાનિત થયા પછી ભગવાન શિવે પોતાના કપાળમાં થયેલ પરસેવા ને સમુદ્રમાં ફેકેલો, અને તે પરસેવામાંથી તેનો જન્મ થયો હતો. એનો જન્મ પાણીમાં થયો હતો તેથી તેનું નામ જળંધરનું પડ્યું હતું. શરૂઆતમાં તે સમુદ્રો પર શાસન કરતો હતો,  એટલે તેને સાગરમંથન દ્વારા સમુદ્રમાંથી કાઢેલા ચૌદ રત્નો તેના વારસાના ભાગ રૂપે માંગ્યા. ઇન્દ્રના ઇન્કારથી અપમાનિત થયા પછી, બદલો લેવા માટે, જળંધરે બ્રહ્માજીની અસાધારણ તપસ્યા કરી ખુશ કર્યા અને એક વરદાન મેળવ્યું કે જ્યાં સુધી તેની પત્ની સદાચારી અને પવિત્ર રહેશે ત્યાં સુધી તે મૃત્યુથી મુક્ત રહેશે.

આમ વૃંદાની વફાદારીને કારણે, જળંધરને અજેય બની ગયો. પછી તો એને શું જોઇતું હતું, જળંધર બધા પર વિજય મેળવવા લાગ્યો. તે અત્યંત સ્વાર્થી બની ગયો. એવામાં એક દિવસે, નારદજી પાસેથી પાર્વતીજીની સુંદરતાના વખાણ સાંભળીને, જળંધરે શિવજી પાસે માંગ કરી કે તેઓ પાર્વતીજી તેને સોંપી દે. આ સાંભળીને શિવજી અત્યંત ક્રોધિત થયા અને બંને વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. યુદ્ધ દરમિયાન, જળંધર પોતાની ભ્રામક યુક્તિઓનો ઉપયોગ કરી શિવના વેશમાં પાર્વતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે પાર્વતીને તેની આ ચાલાકીનો ખ્યાલ આવે છે, ત્યારે તે ભાગી જાય છે અને વિષ્ણુજીને પ્રાર્થના કરે છે કે વૃંદાને પણ આ જ છેતરપિંડીનો સામનો કરવો પડે.

અહીં વૃંદાને એક ભયંકર સ્વપ્ન આવે છે જ્યાં તે તેના પતિને ભેંસ પર બેઠેલો જુએ છે. પરેશાન થઈને, વૃંદા એક ઉદ્યાનમાં ચાલીને શાંતિ શોધવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં રાક્ષસો જોઈને ડરી જાય છે. વિષ્ણુજી, ઋષિના વેશમાં, વૃંદાને બચાવે છે અને જાહેર કરે છે કે તેનો પતિ મૃત્યુ પામ્યો છે. આ સાંભળી વૃંદા ઋષિ પાસે પોતાના મૃત પતિને પુનર્જીવિત કરવાની વિનંતી કરે છે. પછી વિષ્ણુજી તેના પતિ, જળંધરનો વેશ ધારણ કરીને અને તેની પવિત્રતાનો ભંગ કરીને વૃંદાને છેતરે છે. તેની પવિત્રતા તૂટી ગઈ હતી, તેથી શિવજી જળંધરને હરાવવામાં સક્ષમ થઇ જાય છે. વૃંદા તેના પતિના અંતિમ સંસ્કાર પર આત્મદાહ કરી લે છે.

ઓળખ અને તેણે કરેલી ભયાનક યુક્તિ જાણ્યા પછી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપ્યો કે તે કાળો પથ્થર, શાલિગ્રામ બની જશે અને તેમની પત્ની પણ તેમનાથી અલગ થઈ જશે. વૃંદાની નિર્દોષ પવિત્રતાથી વિષ્ણુજીએ તેમના પર વિજય મેળવ્યો એટલે વિષ્ણુજીએ વૃંદાના પછીના જન્મમાં તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું.

પ્રચલિત પરંપરામાં, વિષ્ણુ દ્વારા વૃંદાને તેના આગામી જન્મમાં લગ્ન કરવાના આશીર્વાદ અનુસાર, શાલિગ્રામના રૂપમાં વિષ્ણુએ પ્રબોધિની એકાદશીના દિવસે તુલસી સાથે લગ્ન કર્યા. આ ઘટનાની યાદમાં, તુલસી વિવાહનો વિધિ કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે ભક્તો દ્વારા દર વર્ષે તેમના લગ્ન કરીને આ કથાને અમર બનાવવામાં આવી છે.

ઉજવણી:

તુલસીજી અને વિષ્ણુજીના લગ્ન પરંપરાગત હિન્દુ લગ્ન જેવા જ હોય છે. લગ્ન ઘરો અને મંદિરોમાં કરવામાં આવે છે. સાંજ સુધી ઉપવાસ રાખવામાં આવે છે. ઘરના આંગણામાં એક મંડપ, જ્યાં તુલસીનો છોડ સામાન્ય રીતે વાવ્યો હોઈ છે ત્યાં બાંધવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે વૃંદાનો આત્મા રાત્રે છોડમાં રહે છે અને સવારે નીકળી જાય છે. કન્યા તુલસીને સાડી અને આભૂષણોથી શણગારવામાં આવે છે. વરરાજા શાલિગ્રામ – વિષ્ણુનું પ્રતીક રૂપી પથ્થર હોય છે અથવા વિષ્ણુ ભગવાનની છબી હોય છે. લગ્ન પહેલાં વિષ્ણુ અને તુલસી બંનેને સ્નાન કરાવવામાં આવે છે અને ફૂલો અને માળાઓથી શણગારવામાં આવે છે. સમારંભમાં યુગલને સુતરાઉ દોરા (લગ્નગ્રંથી) થી બાંધવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં, બધા વૈષ્ણવો ભગવાન વિષ્ણુજી અને તુલસીજીના આ લગ્નનું પુનર્નિર્માણ કરીને આ દિવસની ઉજવણી કરે છે. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પુત્રીનું લગ્નમાં કન્યાદાન આપવું એ ખૂબ જ પુણ્યપૂર્ણ કાર્ય માનવામાં આવે છે, એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ લગ્ન કરાવે છે તે તુલસીને પોતાની પુત્રી માને છે, જેનાથી તેને કન્યાદાનનો શ્રેય મળે છે.

હિન્દુ ધર્મમાં દાનનું મહત્વ:

દાન હિન્દુ ધર્મનો એક અભિન્ન અંગ છે અને એ સમગ્ર ભારતમાં વિવિધ નામોથી ઓળખાય છે. હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક ગ્રંથોમાં દાન કરવાના ઘણા મહત્વના ઉલ્લેખો મળે છે. ભાગવત ગીતામાં, દાન ક્યારે કરવું અને ક્યારે ન કરવું તે અંગે ચર્ચા છે જેમ કે જ્યારે વ્યક્તિ પાસે વધારાની આવક હોય ત્યારે જ તે દાન કરી શકે, અને જ્યારે પણ દાન કરો ત્યારે કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના દાન કરવું જોઈએ. હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે જેને દાન આપી રહ્યા છો તેની કોઇ પણ કારણે લાગણી ન દુભાય. સ્કંદ પુરાણના કુમારિકા ખંડમાં નારદજી દાન વિશે સમજાવે છે કે દાન ભક્તિભાવથી જ કરવું જોઈએ કારણ કે ભગવાન શિવ અંત:કરણની શુદ્ધતા અને પ્રામાણિકતાથી જ પ્રસન્ન થઈ શકે છે. તેમના કહ્યા મુજબ, આપણે જે દાન કરીએ છીએ તેના આધારે દાનના ત્રણ પ્રકાર છે:

– ધન દાન – તે પૈસાનું દાન છે, અને તે દાનનું સૌથી જાણીતું રૂપ છે.
વસ્તુ દાન – તે આભૂષણો, વાસણો વગેરે જેવી સામગ્રીનું દાન છે.
વસ્ત્ર દાન – તે કપડાંનું દાન છે.

દાન થકી તમારા તેમજ મદદ મેળવનાર વ્યક્તિના જીવનને સુધારવામાં મદદ મળે છે. આવશ્યક એ છે કે શું તમે દાન નિષ્ઠાપૂર્વક, પૂરા દિલથી, કોઈપણ અફસોસ, શંકા અથવા અપેક્ષાઓ વિના કરો.

તુલસી વિવાહ ૨૦૨૫ વખતે દાન કરો:

તુલસી વિવાહ પર અન્ન અને વસ્તુ દાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી આ પુણ્યદાયક અવસરે નારાયણ સેવા સંસ્થાન સાથે દીન – હીન, નિર્ધન, દિવ્યાંગ બાળકોને ભોજન અને અન્ય વસ્તુઓ દાન કરવાની પ્રયોજનમાં સહભાગી બનો.

અવારનવાર પૂછાતા પ્રશ્નો

તુલસી વિવાહ ૨૦૨૫ ક્યારે છે?
તુલસી વિવાહ ૨૦૨૫ ૨ નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.

તુલસી વિવાહનું મહત્વ શું છે?
તુલસી વિવાહ ચોમાસાનો અંત અને લગ્નગાળાની શરૂઆત સૂચવે છે અને ધાર્મિક માન્યતા એવી છે કે જેઓ કન્યા સુખથી વંચિત છે, તેવાં લોકો જો તુલસી વિવાહ કરાવે તો તેઓ કન્યા દાનનું ફળ પણ મેળવી શકે છે.

તુલસીનું ધાર્મિક મહત્વ શું છે?
હિંદુ ધર્મમાં તુલસીનો છોડ પવિત્ર, પૂજનીય અને લાભદાયક માનવામાં આવે છે. તુલસીના છોડને દેવી તરીકે પૂજવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે તુલસીની સેવા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે, મૃત વ્યક્તિના મોંમાં તુલસીના પાન ગંગાના જળ સાથે રાખવાથી વૈકુંઠનો માર્ગ ખુલે છે અને તેની આત્માને શાંતિ મળે છે.

તુલસી લગ્નનો પ્રતીકાત્મક અર્થ શું છે?
એવું મનાય છે કે તુલસી વિવાહ કરવાથી લગ્ન જીવન સુખી થાય છે.

X
Amount = INR