31 October 2025

દેવ દિવાળી 2025: દેવ દિવાળી નું મહત્વ

Start Chat

નવરાત્રીના નવ દિવસની ધમાલ પછી શરદ પૂનમની રાત આવે અને જતી રહે તેમ ગુજરાત અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં દિવાળીના તહેવારો જેટલી ધૂમધામથી ઉજવાય છે, કદાચ દેવ દિવાળી તેની સામે ઝાંખી લાગે. પણ એજ તહેવાર જો તમે વારાણસીમાં ઉજવો તો તેની મજા જ અલગ છે. દિવાળી પછીના કાર્તિક પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવતો આ તહેવારમાં સમગ્ર ગંગા કિનારો લાખો માટીના દીવાઓથી જળહળિત થઈ ઉઠે છે, અને એ એક મનોરમ્ય દૃશ્ય બની જાય છે. દેવ દિવાળીનો તહેવાર પૌરાણિક કથાઓ અને સદીઓ જૂની પરંપરાઓમાં મૂળ ધરાવે છે.

પૌરાણિક કથાઓ સાથે સંબંધિત દેવ દિવાળી

એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવ અને રાક્ષસ તારકાસુરના ત્રણ પુત્રો – વિદ્યુન્માલી, તારકક્ષ અને કમલાક્ષ વિશે છે. બહુ આકરી તપસ્યા કર્યા પછી, ત્રણેય ભાઈઓએ ભગવાન બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું: સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ સ્થિત, સોના, ચાંદી અને લોખંડથી બનેલા ત્રણ અજેય કિલ્લાઓ. ત્રિપુરા તરીકે ઓળખાતા આ ત્રણેય કિલ્લાઓ દર હજાર વર્ષે ફક્ત એક જ વાર એક જ હરોળમાં ગોઠવાતાં હતા. એ સમયે જો કોઇ ત્રણેય કિલ્લાઓ ને એક જ તીરેથી ધ્વસ્ત કરી શકે, તે જ આ રાક્ષસોનો વધ કરી શકે. આ વરદાનથી રાક્ષસો સક્ષમ બન્યા અને દેવતાઓ ભયભીત. એ વખતે મહાદેવ કે વિષ્ણુજીએ કોઇ દખલ કરી નહીં કારણ કે શરૂઆતમાં ત્રણેય ભાઈઓ ખૂબ જ ન્યાયી હતા.

એક સમયે એવો આવ્યો કે તેઓ ધર્મથી ભટકી ગયા અને તેમની રાક્ષસી પ્રકૃતિ દર્શ્યમાન થઈ ગઈ. પરિસ્થિતિને ફરીથી કાબુમાં લાવવા માટે, ભગવાન શિવે ત્રિપુરારીનું રૂપ ધારણ કર્યું, અને સમસ્ત દેવતાઓની શક્તિઓને શોષી લીધી. તેમણે એક જબરદસ્ત રથ બનાવ્યો, મેરુ પર્વતને તેમનું ધનુષ્ય બનાવ્યું, વાસુકિ નાગને તે ધનુષની પ્રત્યંચા. તેમનું પાશુપતાસ્ત્ર બન્યું તેમનું તીર. જ્યારે ત્રણેય કિલ્લાઓ એક હરોળમાં ગોઠવાઈ ગયા, ત્યારે શિવજીએ તીર છોડ્યું અને, ત્રિપુરાનો નાશ કર્યો. આ ઘટનાને ત્રિપુરા સંહાર તરીકે ઓળખવામાં આવે છે. ઈશ્વરીય હસ્તક્ષેપની આ ક્ષણને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દેવ દિવાળીના મૂળ પૌરાણિક કારણોમાંની એક છે.

કાશીના રાજા દિવોદાસની વાર્તા

બીજી પૌરાણિક વાર્તા અનુસાર રાજા દિવોદાસની,-જે રિપુંજયના નામ થી પણ ઓળખાય છે, તેમની છે. તેઓ દૈવી શક્તિઓથી સંપન્ન હતાં. તેમણે કાશી પર એક જ કરાર હેઠળ શાસન કર્યું કે, દેવતાઓ શહેરમાં પ્રવેશ કરી ન શકે. જ્યારે શિવજીએ પાર્વતીજી સાથે લગ્ન કર્યા, ત્યારે તેમણે કાશીમાં રહેવાની ઇચ્છા વ્યક્ત કરી, પણ કરાર થકી એ શક્ય નતું. દેવતાઓએ દિવોદાસ પર દબાણ લાવવા માટે તેમની ખામીઓ શોધવાનો અથાગ પ્રયાસો કર્યા.  કોઈ જ ખામી ન મળી, કારણ કે રાજા ખૂબ જ ન્યાયી હતો. છેલ્લે ગણેશજીને છદ્મ રૂપ ધારણ કરાવ્યા પછી, રાજાના સલાહકાર તરીકે મોકલવામાં આવ્યા.

રાજાની મનની શાંતિ હણાઇ ગઇ હતી. તે શાંતિને પરત મેળવવા મુખ્ય સલાહકાર તરીકે ગણેશજીએ દિવોદાસને સલાહ આપી, કે તમે મહાદેવને ફરી પાછા કાશી બોલાવી લો. એ સાંભળીને રાજાએ ઘાટ પાસે એક શિવલિંગની સ્થાપના કરી અને શિવજીને કાયમી ત્યાં નિવાસ કરવા વિનંતી કરી. મહાદેવ તો આવ્યા અને સાથે આનંદિત દેવતાઓ પણ કાશી આવ્યા, અને ઘાટ પર દીવાઓની હરોળ પ્રગટાવી. આનાથી દેવ દિવાળીનો દેવો દ્વારા ઘરે પાછા ફરવાના તહેવાર તરીકે ઉદ્ભવ થયો.

શુભ ઉત્સવનું દ્રશ્ય

એવું મનાય છે કે દેવ દિવાળીની રાત્રે, દેવતાઓ વારાણસીના ઘાટ પર ગંગામાં સ્નાન કરવા માટે આવે છે. આ માન્યતા થકી ઘાટોને સાફ કરવામાં આવે છે, દીવાઓથી સજ્જ કરવામાં આવે છે, અને દેવોનું સ્વાગત કરવા માટે શણગારવામાં આવે છે. મંદિરોને કાળજીપૂર્વક પ્રકાશિત કરવામાં આવે છે.

આજના તબક્કામાં આ ઉજવણી અદભુત હોય છે. અંદાજે દસ લાખ દીવા ઘાટ, મંદિરો અને છતો પર ટમટમતાં જોવા મળે છે. ગંગા પર પણ દીપ તરતા હોય છે જે ગંગાના અર્ધચંદ્રાકાર વળાંકને પ્રકાશથી ઝળહળિત કરી નાખે છે. ઇન્દોરની રાણી અહિલ્યાબાઈ હોળકરે ૧૮મી સદીમાં પંચગંગા ઘાટ પર એક હજાર દીવાઓનો એક સ્મારક સ્તંભ બનાવ્યો હતો. એ આજે પણ દીપ પ્રગટાવવામાં આવતું પહેલું સ્થાન છે.

દરેક ઘાટ પોતાની સમિતિ રચે છે, જે ધાર્મિક અને રાષ્ટ્રીય પ્રતીકો જેવી અનેકવિદ ડિઝાઇનમાં દીવાઓની ગોઠવણી કરે છે, જ્યારે સ્થાનિક રહિશો તેમજ સ્વયંસેવકો દીવાઓ, તેલ અને દીવેટોનું દાન કરે છે. દેવ દીવાળીનાં દિવસે દશાશ્વમેઘ અને શીતળા ઘાટ પર, એક ભવ્ય ગંગા આરતીનું આયોજન કરવામાં આવે છે.

દેવ દીવાળીની રાત્રે, કાશી એટલે કે વારાણસી એક ‘જ્યોતિર્મય શહેર’ બની જાય છે, કેમ કે લાખો ઝગમગતી જ્યોત દેવોને સ્વાગતનો અદ્ભુત સંદેશ મોકલાવે છે, અને તેને નિહાળી રહેલાં દરેકને મંત્રમુગ્ધ કરી દે છે.

દેવ દિવાળી અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો:

દેવ દિવાળી ૨૦૨૫ ક્યારે છે?
આ વર્ષે દેવ દીવાળી ૨૦૨૫ તારીક ૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ઉજવવામાં આવશે.

કાર્તિક પૂર્ણિમાનું શું મહત્વ છે?
દેવ દિવાળી, દિવાળીના ૧૫ દિવસ પછી કાર્તક મહિનાની પૂનમની રાત્રે ઉજવાયે છે. આ દિવસને કાર્તિક પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.

દેવ દિવાળી કેવી રીતે ઉજવવી?
દેવ દિવાળી પર, ભક્તો ગંગામાં પવિત્ર ડૂબકી લગાવે છે જેને કાર્તક સ્નાન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ દીપ દાન કરવામાં આવે છે, એટલે કે દેવી ગંગાના આદરના પ્રતીક તરીકે તેલના દીવા ચઢાવવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય ધાર્મિક આકર્ષણ છે ગંગા આરતી, જે  ૨૪ પુજારીઓ અને ૨૪ યુવતીઓ દ્વારા અત્યંત પવિત્રતા અને ભક્તિ સાથે કરવામાં આવે છે.

X
Amount = INR